ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન
હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત ત્રીસ દિવસીય તહેવારમાં માતાના અગિયાર સ્વરૂપોની પૂજા સાથે મધર્સ ડે ની ઉજવણી થાય છે ત્યારે અંજારના શિષ્યોએ માતાના સ્વરૂપ એવા તેમના ગુરૂનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ તેમના ગુરુ કલ્પનાબેન મહેતાના પૂજન સાથે કરી ત્યાર બાદ બાળ કલાકારો પર્વ અને વાચા એ તેમના ગુરૂ રીચાબેન ચાવડાની પૂજા કરી તથા શિક્ષિકાઓ શીતલબેન રબારી, ભાવનાબેન ભાવસાર, વૈશાલીબેન ભટ્ટ અને અંકિતાબેન જોશીની તેમના શિષ્યોએ આચાર્ય દેવો ભવ: ની ભાવનાથી પૂજન અને તુલસી માતા વડે સત્કાર કર્યું. આ સાથે ભાવવિભોર થયી ગયેલા ગુરૂ-શિષ્યોએ તેમની લાગણીઓ વ્યક્ત કરી. ત્યાર બાદ ગૂંજે ગીતા કાર્યક્રમ દ્વારા ગીતા માતાની આરાધના કરવામાં આવી જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ ગિટાર પર ગીતા પ્રસ્તુત કરી. આ પ્રસંગ વિશે વાત કરતા ડોકટરે કહ્યું કે “મા પર્વમાં સૌ સાથે મળીને સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરે છે. ત્યારે શિક્ષિકા કે જેઓ માતાની જેમ જ કાળજીપૂર્વક શિક્ષા અને જ્ઞાન આપી બાળકના ચારિત્ર્ય ઘડતરમાં યોગદાન આપે છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા બાળકો શીખે એ આજના સમયની માંગ છે.” આ ઉપરાંત કાર્યક્રમમાં ગર્ભ સંસ્કાર અને માતૃપૂજાના મહત્વ વિશે ડૉ. પૂજા ઠક્કર એ, તો માતૃભાષાના ઋણ વિશે વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’ એ સમજ આપી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝી આઈડી એ મા પર્વને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા તમામ ડીજીટલ સેવાઓ નિ:શુલ્ક આપી યોગદાન આપ્યું છે.

