ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન
ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા હાલમાં ચાલી રહેલા ‘મા પર્વ’ અંતર્ગત માતૃભૂમિને વંદન કરવા ગુજરાત દિવસ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતના વિડિયોનું શ્રી ત્રિકમદાસજી મહારાજને હસ્તે સચ્ચિદાનંદ મંદિર લોકાર્પણ કરાયું. ગુજરાત અને તેની વિશેષતાઓનું ગુણગાન ધરાવતા આ ગીતને ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર એ શબ્દો તથા સંગીતથી શણગાર્યું છે તેમજ કચ્છી કલાકારો યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ પર્વ ઠક્કર, વાચા ઠક્કર તથા ડોકટરે કંઠ આપ્યું છે. આ વિડિયોનું શુટિંગ ગોવર્ધન ધામ તેમજ ભીમાસર ખાતે થયેલુ છે તથા ગુજરાતની ગરિમા એવા પર્યટન સ્થળોને પણ તેમાં સાંકળવામાં આવ્યા છે. આ ગીતના ફિલ્માંકન વિશે વાત કરતા ડૉ. કૃપેશે કહ્યું કે “હાલ ચાલી રહેલ ત્રીસ દિવસીય આ ઉત્સવમાં અમે મારા પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ માં દર્શાવેલ માતાના વિવિધ સ્વરૂપોની આરાધના કરીએ છીએ ત્યારે માતૃભાષા થકી માતૃભૂમિની આરાધના કરવાની તક અમને મળી એ અમારું સૌભાગ્ય છે અને ગુજરાત દિવસના શુભ અવસર પર આ વીડિઓ રજુ કરી જન્મભૂમિ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છે.” બાળ કલાકારો પર્વ અને વાચા વિષે વાત કરતા ત્રિકમદાસજી મહારાજ એ કહ્યું કે, “અંજારના આ બંને બાળકો સનાતન મૂલ્યોને ફક્ત કચ્છ કે ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારત અને વિશ્વકક્ષાએ ઉજાગર કરે છે ત્યારે ગુજરાત દિવસ નિમિતે તેમનું આ કાર્ય કચ્છ માટે ગૌરવની વાત છે.”


કૃપ ફિલ્મ્સ દ્વારા કચ્છના નયનરમ્ય દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં આવ્યા છે તેમજ કૃપ મ્યુઝીક રેકોર્ડ લેબલ દ્વારા વિશ્વભરમાં બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર આ ગીતને નિ:શુલ્ક લોન્ચ કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ કચ્છી કલાકારો કચ્છનાં વિવિધ પયર્ટન તથા ઐતિહાસિક સ્થળોને ઉજાગર કરવા પોતાના ગીતોનું ત્યાં ફિલ્માંકન કરી તેને વિશ્વભરમાં પહોંચાડે છે.